najuk ramat - Ghazals | RekhtaGujarati

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,

ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,

કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,

શું થશે, જો પ્રતીક્ષા-મૃગ માયાવી હશે!

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવા રહ્યાં,

તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,

શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે!

છેવટે વ્હેલી સવારે વૃક્ષ ઊડી શક્યું,

પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે!

સોગઠી મારી અને તારી નિકટ આવી હશે,

ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

સ્રોત

  • પુસ્તક : એક ખાલી નાવ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984