najar tun aavshe kyaare? - Ghazals | RekhtaGujarati

નજર તું આવશે ક્યારે?

najar tun aavshe kyaare?

વસનજી દયાળજી ગણાત્રા વસનજી દયાળજી ગણાત્રા
નજર તું આવશે ક્યારે?
વસનજી દયાળજી ગણાત્રા

જીગર! શોધું ત્હને દર-દર, નજર તું આવશે ક્યારે?

લખ્યું બહુએ ત્હને દિલબર! નજર તું આવશે ક્યારે?

ત્હને હું ખેલતી દેખું, રસિલી પુષ્પક્યારીમાં;

ધરીને રૂપ કળિયોનું, નજર તું આવશે ક્યારે?

ધસી દરિયાવને તીરે, વહે વાયુ તણી લ્હેરો;

સમીરસર પર ચમન કરતી, નજર તું આવશે ક્યારે?

પ્રબળ દરિયાવનાં મોજાં, કુદે છે લ્હેરની સાથે;

નથી શું નૃત્ય ત્હારૂં? નજર તું આવશે ક્યારે?

જલદ આકાશ ભેદીને, ઝરે આફતાબનાં કિરણો;

રસેલી રોશનીથી એ, નજર તું આવશે ક્યારે?

પવનમાં ઝુલતી ડાળી, હશે ટીશી બની શાની?

હસાવી આંખની કીકી, નજર તું આવશે ક્યારે?

બગિચામાં બિછાવી છે, ખુદાએ ખુબસુરતી તે,

પ્રિયે! છાયા બધી સાથે, નજર તું આવશે ક્યારે?

દરે કર મ્હેં ત્હને મીઠી! સહુમાં સૌ રૂપે દીઠી;

નથી જુદી છતાં જુદી, નજર તું આવશે ક્યારે?

કહે કોઈ જામ જાદૂની, કહે કોઈ ઇશ્કની છાયા;

અમારી જન્મભૂમિમાં, નજર તું આવશે ક્યારે?

નથી ન્યારી-નથી ન્યારી! ભરી તું-તું-બધે પ્યારી!

જીગરની આંખ ખોલું ત્યાં, નજર તું આવશે ક્યારે?

મહામાયા પ્રતાપી છે, સકળ બ્રહ્માંડ વ્યાપી છે;

હૃદયવિણા પ્રલાપીને, નજર તું આવશે ક્યારે?

લબોથી લબ લગાવીને, હૃદય સાથે દબાવીને,

પ્રણયમંત્રો જગાવીને, નજર તું આવશે ક્યારે?

સ્રોત

  • પુસ્તક : વસંત-વિહાર (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સર્જક : વસનજી દયાળજી ગણાત્રા
  • પ્રકાશક : હરિભાઈ દલપતરામ પટેલ
  • વર્ષ : 1922
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ