najar lagi - Ghazals | RekhtaGujarati

તમારાં રૂપને અંતે જમાનાની નજર લાગી,

કે જાણે ઝાંઝવાંને કોઈ પ્યાસાની નજર લાગી.

રીતે રૂપની દૃષ્ટિથી કોઈ રૂપ નજરાયું,

સવારે ખીલતાં ફૂલોને સંધ્યાની નજર લાગી.

બિચારી આરસીને દોષ ના દેવો ઘટે એમાં,

કે નિજ દર્શન થકી એને પોતાની નજર લાગી.

નિખાલસ પ્રીત ને કંઈ રીતે ઘેરી વળી શંકા,

વહી જતી જમનાને કો છાયાની નજર લાગી.

મિલન માણ્યું માણ્યું ત્યાં વિખેરાઈ ગયું શમણું,

અમારી પુષ્પશય્યાને કો' કાંટાની નજર લાગી.

અમીવૃષ્ટિ કોઈની એમ અટકી ગઈ અમારા પર,

વરસતા મેઘને જાણે કો' સહરાની નજર લાગી.

હતો ઉત્સાહ દિલમાં, તે છતાં પગ થઈ ગયા ભારે,

શું મંજિલ ઢૂંઢનારાને ઉતારાની નજર લાગી?

અમારી જિંદગી હર આપદાથી બેફિકર થઈ ગઈ,

ખરેખર આજ અમને કો' દીવાનાની નજર લાગી.

નહીંતર નીર ખારાં આમ ‘સાકિન' ના ધસી આવે,

અમી-ભરપૂર આંખોને શું દરિયાની નજર લાગી?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 239)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4