tame - Ghazals | RekhtaGujarati

નગરમાં કોઈ સાંભળતું નથી એવું કબૂલો છો,

તમે મૂંગા નગરમાં તો કોનું નામ પૂછો છો?

અને રસ્તા વચાળે રોજ કોની રાહ જુઓ છો?

હજી કોની પ્રતીક્ષામાં તમે નખશિખ ઝૂરો છો?

તમારી તરફ ડૂમો અને પેલી તરફ ઉત્સવ,

અને બેઉની વચ્ચે તમે તમને વલૂરો છો.

તમે સાંકળમાં અટવાયા કરો છૂટવાની ઈચ્છાથી,

તમે સાંકળ બનાવો છો ને સાંકળનો નમૂનો છો.

યુગોનો કાટ લાગ્યો છે તમે તૂટી નથી શકતાં,

તમે અકબંધ સંદૂકનો ઘણો જૂનો નકૂચો છો.

સ્રોત

  • પુસ્તક : મીણના માર્ગ પર (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : ભરત ભટ્ટ ‘તરલ’
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2016