નથી જાણ કે હાથ કોનો અડ્યો છે
nathii jaan ke haath kono adyo chhe
કુણાલ શાહ
Kunal Shah

નથી જાણ કે હાથ કોનો અડ્યો છે,
સમયના શરીરે ઘસરકો પડ્યો છે.
મળ્યો વારસામાં ફકત કેસનંબર,
ઘણા વર્ષથી ન્યાય ધક્કે ચડ્યો છે.
એ કીટલી, એ મિત્રો ને ચા સાથે બેઠક,
મને મોક્ષનો મસ્ત રસ્તો જડ્યો છે.
ખુશામત કરીને જે સીડી ચડેલો
આ નવ્વાણુંએ સાપ એને નડ્યો છે.
દિવસભર કર્યો ડોળ ભૂલી ગયાનો,
પછી રાતભર એકધારો રડ્યો છે.
નગરના નગર થઈ ગયા રાજદ્રોહી,
શહેનશાહે જબરો મુસદ્દો ઘડ્યો છે.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ