em mare jawanun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમ મારે જવાનું

em mare jawanun

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
એમ મારે જવાનું
હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,

ને રસ્તાને ખબર પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,

ને આંખોને અમલ ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,

ને મધ્યાહ્ને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું,

ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,

ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,

ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,

ને રસ્તાને ખબર પડે એમ મારે જવાનું.

સ્રોત

  • પુસ્તક : એક ખાલી નાવ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984