નદીઓ સુકાઈ છે
Nadio Sukai Chhe
શલ્ય મશહદી
Shalya Mashahadi
કે'વાનું જેટલું હો તે સઘળું કહી શકો!
ફરિયાદની જ પ્રેમમાં કેવળ મનાઈ છે.
લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.
નયનોએ નીર સિચ્યાં છે ઉપવનની આશમાં,
જીવનના રણમાં કેટલી નદીઓ સુકાઈ છે!
તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર!
એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.
જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
દૃષ્ટિમાં ‘શલ્ય'ની એ કરામત સમાઈ છે.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 220)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961