Ashruvahan Ne Rokvu Padashe - Ghazals | RekhtaGujarati

અશ્રુવહનને રોકવું પડશે

Ashruvahan Ne Rokvu Padashe

દેવદાસ શાહ 'અમીર' દેવદાસ શાહ 'અમીર'
અશ્રુવહનને રોકવું પડશે
દેવદાસ શાહ 'અમીર'

ગમે તે થાય પણ અશ્રુવહનને રોકવું પડશે,

વ્યથાઓ વ્યક્ત કરવાને બીજું કંઈ ગોતવું પડશે.

ખુશીઓ ખોબલે ને ખોબલે મેં તો લુંટાવી છે,

વધ્યું છે જે હળાહળ એકલાએ પી જવું પડશે.

અમોને જીવતેજીવ જગતમાં કોણ પૂછે છે?

સીમાડે પાળિયા થઈને અમારે ઊભવું પડશે.

નિરાંતે જે સતત ચાલ્યા હતા મંઝિલ સુધી પહોંચ્યા,

અમે બેઠા રહ્યા તેથી અમારે દોડવું પડશે.

ધરબેલી પીડાઓ દિલને કોરી બહાર આવે છે,

ખુશીનું આવરણ પાછું પરાણે પહેરવું પડશે.

કયામતમાં ખુદાને જિંદગીભરનો હિસાબ આપ્યો,

ખબર નો'તી કે મૃત્યુની પછી પણ બોલવું પડશે.

જીવનના જામમાં થોડી મદિરા ઔર બાકી છે,

'અમીર'! મોતને કહી દો કે એણે થોભવું પડશે.

સ્રોત

  • પુસ્તક : અમીરની અમીરાત (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : દેવદાસ શાહ 'અમીર'
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 2024