ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે
tyajii de satvare kaagal, tane mafak nahiin aave


ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે,
ગઝલ છે ભેજવાળું સ્થળ, તને માફક નહીં આવે.
ભલેને સાવ છે નિર્મળ, તને માફક નહીં આવે
જરા ખારું છે અશ્રુજળ, તને માફક નહીં આવે.
કદી તું ગણગણી લે શામે-ગમનાં ગીત, અલગ છે વાત,
આ રહેવું કાયમી વિહવળ, તને માફક નહીં આવે.
તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર,
ભટકવું કોઈની પાછળ, તને માફક નહીં આવે.
તું તારા ફાર્મહાઉસમાં લગાવી દે ફૂવારાઓ,
વરસતી હેલી ને ખળખળ તને માફક નહીં આવે.
તું ઝુમ્મરની જ ઝાકમઝોળથી કર તારું ઘર રોશન,
મીંચેલી આંખનું ઝળહળ તને માફક નહીં આવે.
ગમે તે પી લઈને તર થવાને નામે ડૂબી મર,
તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે.
ચળકતી ચાંદનીમાં શબ્દની, બેફિક્ર બેઠો રહે,
ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે.
તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.



કવિની નોંધ : (ડૉ. અશરફ ડબાવાલાની પંક્તિ ‘શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે’ની જમીન પર)
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ