kinarao alag rahine jharanne jiwatun rakhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે

kinarao alag rahine jharanne jiwatun rakhe

રઈશ મનીઆર રઈશ મનીઆર
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;

અલગતા આપણી એમ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,

બસ એમ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,

વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?

જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જઈએ, પણ—

પ્રયાસો વિસ્તરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ' દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,

ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

સ્રોત

  • પુસ્તક : શબ્દ મારા સ્વભાવમાં જ નથી (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : વિશાલ પ્રકાશન
  • વર્ષ : 1998