જે અનુભવ હતો મૌનના બીજમાં, સ્હેજ ખૂલ્યો પછી જે કુંપળમાં
je anubhav hato maunna bijma, shej khulyo pachhi je kumoalma

જે અનુભવ હતો મૌનના બીજમાં, સ્હેજ ખૂલ્યો પછી જે કુંપળમાં
je anubhav hato maunna bijma, shej khulyo pachhi je kumoalma
જવાહર બક્ષી
Jawahar Bakshi

જે અનુભવ હતો મૌનના બીજમાં, સ્હેજ ખૂલ્યો પછી જે કુંપળમાં
વાત એની મળી વિસ્મયી વૃક્ષમાં ડાળમાં પર્ણમાં ફૂલફળમાં
શબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસ અને ગંધમાં આ મને કોણ ખેંચે
જે અકળ છે મને એ જ ઈંગિત કરે આવ તું સ્હેજ છોડી સકળમાં
એક દી’ સ્વપ્નમાં સ્વપ્ન આવ્યું મને તારું હોવું ય છે સ્વપ્ન જેવું
અટપટા ખેલમાં પાંપણો પટપટે ભેદનું મૂળ નીકળ્યું પડળમાં
આમ ભરપૂર છે આમ અરધોઅરધ આમ તો હોય ખાલી જ ખાલી
એક તું, એક હું એક આખું જગત, જળ ઉલેચાય છે મૃગજળમાં!!
દૂરનાં આભ તો આંગળીમાં વહે ચાલ ચપટી વગાડીને લઈ લે
જન્મજન્માંતરોનાં બધાં અંતરો ઓગળે આજની એક પળમાં.

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998