chalni majani ambawaDi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલની મજાની આંબાવાડી

chalni majani ambawaDi

ગની દહીંવાલા ગની દહીંવાલા
ચાલની મજાની આંબાવાડી
ગની દહીંવાલા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતુ આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવીએ,

બાધાને પણ બાધ આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પેાકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984