મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો
motniiye baad taarii zankhanaa karto rahyo
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો
motniiye baad taarii zankhanaa karto rahyo
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો,
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો.
જો તું જાણે તો ભરી મહેફિલ તજીને સાથ દે,
એવી એકલતાભરી મારી દશા કરતો રહ્યો.
એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
પ્રેમ તો એ છે જે આપણને જુદા કરતો રહ્યો.
કોણ જાણે શું હતું એના નીકળતા શ્વાસમાં,
માનવી આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો.
એ બીજાની હોત તો રોયા કરત હું કેટલું-
હસતાં હસતાં હું સહન જે વેદના કરતો રહ્યો.
એ રીતે કંઈ બંધ મુઠી રાખીને જીવવું પડ્યું,
હું દુઆ પણ હાથ ફેલાવ્યા વિના કરતો રહ્યો.
મેં બુરા ખ્યાલોય રાખ્યા, ને અમલ પણ ના કર્યો,
પાપની ને પુણ્યની ભેગી મજા કરતો રહ્યો.
ક્યાં અનુભવ જિંદગીના, ક્યાં કવિતાનો નશો,
ઝેર જે મળતું ગયું, એની સુરા કરતો રહ્યો.
ન્યાય પણ બેફામ આ પાપી યુગે અવળો કર્યો,
પુણ્ય મેં જે જે કર્યા એની સજા કરતો રહ્યો.
સ્રોત
- પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2023
