thaun to sarun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

થાઉં તો સારું

thaun to sarun

શેખાદમ આબુવાલા શેખાદમ આબુવાલા
થાઉં તો સારું
શેખાદમ આબુવાલા

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!

છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!

હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!

હૃદય ઇચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!

મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?

તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!

હું પ્રેમી કાજ એક પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ—

કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!

હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!

—મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4