kadi kadi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાહેર એમ થઈ ગયાં છાનાં મિલન કદી-કદી,

મનમાં છુપાવી ના શક્યાં, વાતો નયન કદી-કદી.

આસમાનના ધણી, એવું કદી-કદી બને!

તારી ધરા કદી-કદી, મારું ગગન કદી-કદી!

જીવન સફળ થનારનું મૃત્યુ સફળ થાય પણ,

મઝધારથીય હોય છે કાંઠો ગહન કદી-કદી.

રીતે સાચવી લીધી ઉપવનની આબરૂ અમે,

કંટકને પણ ચૂમી લીધા સમજી સુમન કદી-કદી.

મારી રૂપાળી નાવના રૂપનો દમામ જોઈને,

સાથે થઈ ગયો હતો સામો પવન કદી-કદી.

મારા વિરોધીઓ, ભલા! વાતથી અજાણ છે,

મારી શકાય છે મને થઈને સ્વજન કદી-કદી.

જીવન તણા પ્રવાસનો લાગ્યો થાક રીતે,

સર્જ્યા સ્વપન કદી-કદી, ખોયાં સ્વપ્ન કદી-કદી.

એકે રૂપાળું મુખ અહીં જ્યારે નથી હું ભાળતો,

નીરખી લઉં છું હું ‘અચલ’ મારું વદન કદી-કદી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4