mein taji tari tamanna teno aa anjam chhe, - Ghazals | RekhtaGujarati

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,

mein taji tari tamanna teno aa anjam chhe,

મરીઝ મરીઝ
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
મરીઝ

મેં તજી તારી તમન્ના તેનો અંજામ છે,

કે હવે સાચે લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!

એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,

આપ પણ એવું કહો છો કે મને આરામ છે!

કોણ જાણે કેમ સાંભળતાં દિલ દુઃખતું હશે!

આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,

આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009