આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું
aankhun jivan ame dhire dhire lakhyun
રઈશ મનીઆર
Raeesh Maniar

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.
કોરા કાગળ ઉપર બસ સખી રે! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.
મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીલરે ને આખા શરીરે લખ્યું.
રોજ માણસ ઘવાતો રહ્યો ચુપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.
જો લખું આજે હું તો બીજું શું લખું?
ગાલિબે એ લખ્યું એ જ મીરે લખ્યું.
આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’?
એક મીરાંએ લખ્યું એક કબીરે લખ્યું.



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર ૨૦૦૦ – જાન્યુઆરી ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન