bhula paDi gaya - Ghazals | RekhtaGujarati

ભૂલા પડી ગયા

bhula paDi gaya

ગની દહીંવાલા ગની દહીંવાલા
ભૂલા પડી ગયા
ગની દહીંવાલા

રસ્તે પડ્યા તો રણ મહીં રસ્તા પડી ગયા;

બેસી રહ્યો જે મંઝિલે, ભૂલા પડી ગયા.

લીલા લીલાશની તો સમેટી ગઈ વસંત;

અરમાન પાનપાનનાં પીળાં પડી ગયાં.

ખામોશીઓ ખૂબ વગોવાઈ આપણી;

વાતાવરણમાં મૌનના પડઘા પડી ગયા.

આઘાતની પડી હતી જીવને કશી;

ખૂંપી ગયા હૃદયમાં અને ઘા પડી ગયા.

કરવી પડી સમાજની ચર્ચા આપણે;

સાગરની ભાંજગડમાં કિનારા પડી ગયા.

શું આપણી તરસનું સમાધાન થઈ ગયું?

પગ કેમ આજે શોષના પાછા પડી ગયા?

જિંદગીનો જંગ, કબરો, વસ્તીઓ!

થોડા ઊભા રહ્યા અને થોડા પડી ગયા.

સૂરજની સાથે એટલા દોડ્યા અમે ‘ગની',

પડછાયા હાંફી હાંફીને પાછા પડી ગયા.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981