મૌન સ્વરૂપે હોઠ વચાળે બાજી ગયેલી શબ્દ તરસતી જાળ
maun svarupe hoth vachaaLe baajii gayelii shabda tarastii jaaL


મૌન સ્વરૂપે હોઠ વચાળે બાજી ગયેલી શબ્દ તરસતી જાળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે
ચીસ દબાવી મૌન-મહિમા ગાઈ રહેલી જીભ ઉપરના આળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે.
કંઠ સુકાતો, શબ્દ જડે નહિ, આંખ ખૂલે નહિ, શ્વાસ દગો દે, હોઠ ન ફફડે, આગ હૃદયમાં હોય છતાં પણ હોય તું પાસે
એ જ પળે બસ ગાલ સુધી પણ આવી નહીં એ આંસુભરી ઘટમાળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે
તુંય અમારી જોઈ ઉંચાઈ ટોચ સુધીનાં સ્વપ્ન જુએ છે ઠીક છે એ તો ભાઈ પરંતુ ટોચ ઉપરથી કાશ... અમે જો
રોજ ચડાવે રોજ ઉતારે એમ રચેલા સાવ નિરર્થક ઢાળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે
હોય સગડ તો શોધ કરીએ, હોય છબી તો જોઈ લઈએ, હોય સ્મરણ તો સમરી લઈએ, હોય નહીં તો રોઈ લઈએ
કાંઈ નથી ને તોય ઝૂરીએ એમ ઘડેલા ખ્યાલરૂપી ભૂતકાળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે
હોય હલેસાં, હોય બળૂકા હાથ ‘ને વત્તા હોય પવન પણ, હોય કિનારા સાવ નજીક ‘ને હોય દિશાઓ સ્પષ્ટ છતાં પણ
સાવ અચાનક થાય સમંદર શાંત ‘ને પડતી વીજળી જેવી ફાળ વિશેની વાત તને સમજાવી શકીએ તોય ઘણું છે



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : માર્ચ ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન