મારો કબીર છે
maro kabir chhe
હર્ષ બ્રહ્મભટ્ટ
Harsh Brahmbhatt

મારી કને તો ફક્ત આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.
ખાલી અમારી બ્હારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે!
એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.
છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જોને કેવું સ્થિર છે!
એમાં જ હું વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
કેવી મજાથી ઝબકી રહી છે વીજ આભમાં,
પોતે ખુદાના હાથની જાણે લકીર છે.



સ્રોત
- પુસ્તક : મૌનની મહેફિલ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2011
- આવૃત્તિ : દસમી આવૃત્તિ