રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશોકમાં ગરકાવ છે આખી સભા મારા પછી
કોણ સંભળાવી ગયું મારી કથા મારા પછી
અશ્રુઓ પ્યાલાની આંખોમાં છે સાકી છે ઉદાસ
જોઈલો જઈને સુરાલયની દશા મારા પછી
કોણ કરશે મારી પેઠે એ સુંગંધીની કદર
ખૂબ રડશે તારા પાલવની હવા મારા પછી
હું તો છું નિર્દોષ મારો જીવ લઈને કાતિલો
મારા ઉપર આવશે તમને દયા મારા પછી
ખાત્રીપૂર્વક કહું છું કે સતત નિષ્ફળ જશો
યત્ન તો કરશો મને ભૂલી જવા મારા પછી
જીવ પંથે કોણ બરબાદીને લેવા જાય છે
કોણ ભટકે છે વફાને શોધવા મારા પછી
જીવતા જીવે તબીબો મોકલો તો ઠીક છે
કોના ખપમાં આવશે દુઃખની દવા મારા પછી
જીવતાં શૂળો ધરી ને ફૂલ ધર્યા લાશ પર
મારા પર વરસી છે દુનિયાની કૃપા મારા પછી
સાચવીને રાખશે કોણ એની ચિંતા છે “અઝીઝ”
ક્યાં જશે આ મારા દિલની વેદના મારા પછી
સ્રોત
- પુસ્તક : તરસ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : અઝીઝ કાદરી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1997