ochhoo nathii shikharno aene lagaav joke - Ghazals | RekhtaGujarati

ઓછો નથી શિખરનો એને લગાવ જોકે

ochhoo nathii shikharno aene lagaav joke

ભાર્ગવ ઠાકર ભાર્ગવ ઠાકર
ઓછો નથી શિખરનો એને લગાવ જોકે
ભાર્ગવ ઠાકર

ઓછો નથી શિખરનો એને લગાવ જોકે,

વહેવું છે માત્ર વહેવું એનો સ્વભાવ જોકે.

ચિતર્યું છે સ્મિત ચહેરે, શણગાર બહુ સજ્યા છે,

પહેર્યો છે રોમે રોમે મારો અભાવ જોકે.

ઝબકીને ઝીણું ઝીણું નક્કર તમસની વચ્ચે,

પાડે છે આગિયાઓ અઢળક પ્રભાવ જોકે.

છે તર્ક સાવ જુદાં, મનનાં અને મતીનાં,

બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.

ગભરાઈને વમળથી, કૂદી ગયો ખલાસી

પ્હોંચી ગઈ કિનારે રિક્ત નાવ જોકે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ