અવાજ જુદો!
avaaj judo!
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla

જુદી જ તાસિર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે,
જુદી ગઝલ ને મિજાજ જુદો!
રસમ શબદની અહીં અનોખી,
અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે,
જુદી સમજ ને સમાજ જુદો!
જૂની પુરાણી અસલની ઓળખ,
અમે અકારણ જુદા ગણાયા;
અમારે મન તો ન કોઈ જુદું,
શું કરિયેં પામ્યા અવાજ જુદો!
મલક બધોયે ફરીફરીને
અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા,
નથી દરદથી ઇલાજ જુદો!
ગઝલ આખરી ગવાઈ રહી આ,
અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગીયે કરું કિંહા લગ,
રહ્યો ન બંદાનવાજ જુદો!



સ્રોત
- પુસ્તક : ગઝલ સંહિતા (તૃતીય મંડલ) (પૃષ્ઠ ક્રમાંક 106)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- પ્રકાશક : સહૃદય પ્રકાશન
- વર્ષ : 2005