મને દરરોજ દર્પણ અવનવા પડકાર આપે છે
mane darroj darpan avnavaa padkaar aape chhe

મને દરરોજ દર્પણ અવનવા પડકાર આપે છે
mane darroj darpan avnavaa padkaar aape chhe
કિરણ જોગીદાસ 'રોશન'
Kiran Jogidas 'Roshan'

મને દરરોજ દર્પણ અવનવા પડકાર આપે છે,
ખરેખર એ જ તો હોવાપણાંને સાર આપે છે.
સતત ચારે તરફથી કોણ માપે છે ને કાપે છે?
મને મારી જ ભીતર કોઈ નવો આકાર આપે છે.
ઉતારી હુંપણાને પ્હેર્યું મેં તારાપણું જ્યારે
નજર મારી હવે સૌ દૃશ્યને શણગાર આપે છે.
અહીં હરએક માણસ વારતા લઈને ફરે ખુદની,
બધાને ક્યાં કદી એ કોઈ સાંભળનાર આપે છે!
સવારે આંખ ખૂલી તો ઉઠાયું ના પથાારીથી
ફકત એક સ્વપ્ન પણ કેવો ગજબનો ભાર આપે છે!
શરત છે વીજળી ચમકે; તરત મોતી પરોવી દો,
સમય આપે છે તક નક્કી, ભલે ક્ષણવાર આપે છે.
ભરું છું શ્વાસમાં અહેસાસ એનો એ રીતે 'રોશન',
સતત અસ્તિત્વને જાણે કે એ નિર્ધાર આપે છે.



સ્રોત
- પુસ્તક : પરબ : જુલાઈ ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ભરત મહેતા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ