kari karine tame ketalun kari shaksho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરી કરીને તમે કેટલું કરી શકશો

kari karine tame ketalun kari shaksho

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
કરી કરીને તમે કેટલું કરી શકશો
આદિલ મન્સૂરી

કરી કરીને તમે કેટલું કરી શકશો

ને આંસુઓથી સરોવરને શું ભરી શકશો

ભૂંડી ભાષાના અર્થોને ચાતરી શકશો

કોઈના શબ્દનો વિશ્વાસ પણ કરી શકશો

તમારા હાથ બહુ લાંબા છે કબૂલ છતાં

તે ચીર માતાનાં જાતે શું હરી શકશો

હવે તો ઘૂઘવે ચોમેર લોહીનો દરિયો

અમે તો ડૂબ્યા પરંતુ તમે તરી શકશો

ટકોરા મારશે યમરાજ બારણે આવી

સવાલ એટલો છે આપ કરગરી શકશો

કોઈના અસ્થિના અવશેષ નીકળ્યા કરશે

તે ઊંડે ક્યાં સુધી ઘરતીને ખોતરી શકશો

બધાય કાંઠા તણાઈ ગયા છે પાણીમાં

વહાણ આપનું ક્યાં? કેમ? લાંગરી શકશો

અસંખ્ય માણસોને જીવતા જલાવાયા

વાત કેવી રીતે આપ વિસ્મરી શકશો

સમુદ્ર સામે ને યમની સવારી હો પૂંઠે

પછી તો કેમ કરી પાછાયે ફરી શકશો

હવે તો બીજું કોઈ છેતરાય ના આદિલ

હવે તો જાતને જાતે છેતરી શકશો

સ્રોત

  • પુસ્તક : ગઝલના આયનાઘરમાં (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003