Hathne Chiro To Ganga Nikale - Ghazals | RekhtaGujarati

હાથને ચીરો તો ગંગા નીકળે

Hathne Chiro To Ganga Nikale

રમેશ પારેખ રમેશ પારેખ
હાથને ચીરો તો ગંગા નીકળે
રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે

છેવટે વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર

કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઈ સપનું છીછરું વાગ્યું હતું

ને જનોઈવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ

ભોંયરાઓ એનાં ક્યાં ક્યાં નીકળે?

શું કબ્રસ્તાનનું ષડ્યંત્ર છે?

મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય

ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં

કોઈ અશ્મીભૂત શ્રદ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ

જ્યાં થઈ હરએક રસ્તા નીકળે

'ર' નિરંતર મેશ-માં સબડે અને

સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ