રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આપણે
Aapne
દાન વાઘેલા
Dan Vaghela
એક દીવો, એક ફાનસ આપણે;
જ્યોતના સૌભાગ્ય વારસ આપણે!
રાફડાંનું મૌન ક્યાં ફુત્સારશે?
જંગલોના સ્વપ્ન – માણસ આપણે.
બોરનો ઠળિયો બન્યો છે બ્રહ્મ ખુદ;
વાટ જોતા રૂપ ને રસ આપણે.
કુંડમાં પ્રગટેલ ગંગા ક્યાં ગઈ?
તપ – અવિચળ આદર્યા બસ આપણે.
ક્યાંક વળગણમાં રહી વલખા ભર્યાં;
ધૂંધળા ધર્મોનું ધુમ્મસ આપણે.
એજ અંગૂઠો ફરી ઊગી ગયો!
તીર તાક્યાં છે તસોતસ આપણે.
વસ્ત્ર વણવાના હવે વિકલ્પના;
વિશ્વની ધોરી નસેનસ આપણે.
‘દાન’ સઘળો સાર આ પર્યાયમાં;
વાયુ-પાણી-આગ, બાકસ આપણે.
સ્રોત
- પુસ્તક : જઠરાગ્નિ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : દાન વાઘેલા
- પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન, અમદાવાદ
- વર્ષ : 2011