malyun nahin - Ghazals | RekhtaGujarati

મળ્યું નહીં

malyun nahin

કિસ્મત કુરેશી કિસ્મત કુરેશી
મળ્યું નહીં
કિસ્મત કુરેશી

જીવન મળ્યું, પરંતુ ધ્યેય તે તણું મળ્યું નહીં,

મળ્યું ઘણુંય દાન, થોડું માગણું મળ્યું નહીં!

રહે હૃદય તો શી રીતે ઝુલાવું એને શી રીતે?

મળ્યું શિશુ પરંતુ હાય! પારણું મળ્યું નહીં.

નિકુંજને અનેક દમતી ડમરીઓ મળી, છતાં-

રે! ધૂળમાં મળેલ એનું પોયણું મળ્યું નહીં.

મળી નહીં કદી દિવસને ચાંદનીની કામળી,

નિશાને ધૂપછાંવ કેરું ઓઢણું મળ્યું નહિ.

શિખર ચઢી હું લાવતે નયન વ્યથાની ઔષધિ,

ગિરિ નમાવનાર કિન્તુ કો' કણું મળ્યું નહિ.

પસીને ગ્રીષ્મ જો ઠરે, તો આહથી તપે શિશિર,

હૃદય-ચિતા શું ક્યાંય ઠંડું તાપણું મળ્યું નહિ.

નથી આયુ-શિલ્પમાં કલાની કોઈ શક્યતા,

રતન-જડ્યું જો તીક્ષ્ણ દૃષ્ટિ ઢાંકણું મળ્યું નહિ.

હતી બધે આલબેલ વણફળેલ આશની,

લૂંટારુ કાળને કો' રેઢું બારણું મળ્યું નહિ.

મળી મળીને પારકી જહાન એવી મળી,

કે જ્યાં કદીય, ક્યાંય કોઈ આપણું મળ્યું નહિ.

મિટાવી દેત હું મુજ નિશાન મારી ઠોકરે,

પરંતુ મુજ કબરને હાય! બારણું મળ્યું નહિ.

નચાવવા સ્વપ્રીતને ચહ્યું ઘણુંય 'કિસ્મતે',

રે! કિન્તુ કોઈ દિલનું સીધું આંગણું મળ્યું નહિ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4