Mahobbatma Have Maro Parichay Aa Pramane Chhe - Ghazals | RekhtaGujarati

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે

Mahobbatma Have Maro Parichay Aa Pramane Chhe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
બરકત વીરાણી 'બેફામ'

મહોબ્બતમાં હવે મારો પરિચય પ્રમાણે છે,

અજાણ્યા થઈ ગયાં છે મને જે ખાસ જાણે છે.

દીધો' તો સાથ જેણે, ખુદ લૂંટી ગયા અમને,

જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,

હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને થાય છે અચરજ,

કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,

હવે જિંદગી મારી સમય! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,

કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ તો થઈ ગયા માટી મહીં માટી,

હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,

ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર 'બેફામ' શું માગું જીવનની જગત પાસે,

કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વીરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 397)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
  • વર્ષ : 2023