le, aa mari jat oDhaDun tane - Ghazals | RekhtaGujarati

લે, આ મારી જાત ઓઢાડું તને

le, aa mari jat oDhaDun tane

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
લે, આ મારી જાત ઓઢાડું તને
ખલીલ ધનતેજવી

લે, મારી જાત ઓઢાડું તને,

સાહેબા! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,

ક્યાંય પણ નીચો નહીં પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,

મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહીં સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

કોક દિ’ એકાંતમાં ખપ લાગશે,

આવ મારી યાદ વળગાડું તને.

હૂબહૂ તારી લખવી છે ગઝલ,

તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી

આયનો લઈ આવ દેખાડું તને.

ઘર સુધી તું આવવાની જીદ કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને?

તું ખલીલ આકાશને તાક્યા કર,

ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008