દરિયો તો આપ્યો, પણ કેવળ ભરતી આપી
dariyo to aapyo, pan kevaL bhartii aapii

દરિયો તો આપ્યો, પણ કેવળ ભરતી આપી
dariyo to aapyo, pan kevaL bhartii aapii
વ્રજેશ મિસ્ત્રી
Vrajesh Mistri

દરિયો તો આપ્યો, પણ કેવળ ભરતી આપી,
આંખોની માછલીઓ જળમાં તરતી આપી!
'લેવા' સાથે 'દેવું' તુર્ત જ ભરવું પડશે,
શ્વાસોની સવલત પણ કેવી શરતી આપી!
જઈ જઈને પણ જઈએ તો ક્યાં જઈએ બોલો!
જ્યાં પીડા વાયુ માફક સંચરતી આપી.
વર્ષો વીત્યા, કોઈ વાળવા આવ્યું જ ક્યાં છે?
સ્મરણોની આ ગાયો કોણે ચરતી આપી!
કાપી લીધા કાન કહો સમજણના કોણે?
કોણે લાગણીઓ કોલાહલ કરતી આપી?



સ્રોત
- પુસ્તક : ઝાંઝવાંની ભીંતો (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : વ્રજેશ મિસ્ત્રી
- પ્રકાશક : બુકશેલ્ફ
- વર્ષ : 2022