lage ! - Ghazals | RekhtaGujarati

સવારો હવે તો વજનદાર લાગે

છે તડકો સુકોમળ છતાં ભાર લાગે

છે શરણાગતિ કેવી દૈવી તમારી

કે જીત્યા પછી પણ મને હાર લાગે

સજાવી કહી વાત તેથી મેં થોડી

સીધી સટ કહું તો નહીં સાર લાગે

વસંતોની કેફી ખુમારી છતાંયે

ફૂલોના સંબંધોમાં પણ ખાર લાગે

છે શું 'ભગ્ન' એવું ગઝલમાં તે એની

ઊતરતાં દિલમાં તરત ધાર લાગે

સ્રોત

  • પુસ્તક : ગુર્જરી ડાયજેસ્ટ
  • સંપાદક : ડૉ. બળવંત જાની
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2012