laabh shubh kyarek relaataa hataa aa baaraNe - Ghazals | RekhtaGujarati

લાભ-શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે

laabh shubh kyarek relaataa hataa aa baaraNe

હર્ષદ સોલંકી હર્ષદ સોલંકી
લાભ-શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે
હર્ષદ સોલંકી

લાભ-શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે એ વાતને તો એક અરસો થઈ ગયો,

આવતા'તા છાંયડા મારાય ઘરના આંગણે એ વાતને તો એક અરસો થઈ ગયો.

આજ કૂંડામાં તરસ કણસ્યા કરે છે એકધારી કૈંક વરસોથી વળીને ગૂંચડું,

હા, કદી ભીનાશ મઘમઘતી હતી આ ખામણે એ વાતને તો એક અરસો થઈ ગયો.

વૃક્ષના થડ પર લખ્યા'તા નામ ને એ વૃક્ષના ટેકે ઘડી બેઠા હતા ને એ પછી,

એક ઘેરું મૌન લઇ છૂટા પડ્યા'તા આપણે એ વાતને તો એક અરસો થઈ ગયો.

આંગળીના ટેરવે બાઝેલ આછી યાદના ટેકે દિવસ આખો ગુજરતો'તો કદી

રાત પણ વીતી જતી'તી એટલા સંભારણે એ વાતને તો એક અરસો થઈ ગયો.

આપણે રસ્તા, નદી, દરિયા, પહાડો, જંગલો, આકાશ, ધરતી, ચંદ્ર, તારા ને સૂરજ,

હોંશપૂર્વક એ બધું બાંધ્યું'તું કાચા તાંતણે એ વાતને તો એક અરસો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ