kshitije ghas jewi lili kshan dai amne doDawya - Ghazals | RekhtaGujarati

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા

kshitije ghas jewi lili kshan dai amne doDawya

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા
મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;

અમારામાં ઇચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું, એની ખબર ક્યાં છે,

અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,

વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,

અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,

અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,

સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં–

થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 282)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ