aa shun prgatyun chhe maraman ke yaad karun chhun gokulne - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને

aa shun prgatyun chhe maraman ke yaad karun chhun gokulne

દિલીપ રાવળ દિલીપ રાવળ
આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને
દિલીપ રાવળ

શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને.

છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે

એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું

મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકળને!

ચરણો રોકે છે દ્વારિકે, દ્વારિકા રોકે ચરણોને

મન પાછું ગોકુળ જાવામાં કે યાદ કરું છું ગોકુળને.

રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!

નક્કી હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

સ્રોત

  • પુસ્તક : આવ સજનવા (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : દિલીપ રાવલ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1996