કોઈ હરદમ જપાતું મારામાં
koii hardam japaatun maaraaman
પૂર્ણિમા ભટ્ટ 'શબરી'
Purnima Bhatt 'Shabari'

કોઈ હરદમ જપાતું મારામાં,
શબ્દ થઈને લખાતું મારામાં.
મેં સમયનો આ ગ્રંથ ઉથલાવ્યો,
કંઈ ક્ષણેક્ષણ ભણાતું મારામાં.
કોણ શતરંજ પાથરી બેઠું!
સોગઠું કાં રમાતું મારામાં?
શબ્દનાં હર મરોડ પર જણ એક,
રહે ગઝલ થઈ રચાતું મારામાં.
દૃશ્યમાં ધૂંધળું સતત આ કોણ?
થઈને ધુમ્મસ છવાતું મારામાં.
સ્વપ્ન પણ છૂટતું નથી જેનું,
રહે અવિરત રટાતું મારામાં.
ભીંતથી પોપડો ખર્યો ન્હોતો,
તોય આ શું ખણાતું મારામાં!
કંઈક 'શબરી'પણાની વચ્ચેથી
તૂટતું 'ને તણાતું મારામાં.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ