koi tarun nathi - Ghazals | RekhtaGujarati

કોઈ તારું નથી

koi tarun nathi

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'

સાવ જૂઠું જગત કોઈ તારું નથી,

મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?

છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,

બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,

છેક સુધી સતત કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,

બોલ, લાગી શરત કોઈ તારું નથી!

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,

કે અહીં હરવખત કોઈ તારું નથી.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021