koi maarun naam paado; koi bolaavo mane - Ghazals | RekhtaGujarati

કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને

koi maarun naam paado; koi bolaavo mane

હર્ષદ સોલંકી હર્ષદ સોલંકી
કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને
હર્ષદ સોલંકી

કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને!

બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને!

સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો છું,

કંઇક ખોબામાં ભરી લાવો ને પિવડાવો મને!

કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ,

છું પુરાતન કાળનું ખંડેર- ખોદાવો મને!

અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે,

ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને!

ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે,

ને પછી એમાં રંગેચંગે પધરાવો મને!

જે સમજની બા'ર છે તો બધું સમજી ગયો,

જે સરળથી પણ સરળ છે સમજાવો મને!

ઊંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો,

વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ