baranun joje ne mathun sachwine aawje - Ghazals | RekhtaGujarati

બારણું જોજે ને માથું સાચવીને આવજે

baranun joje ne mathun sachwine aawje

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
બારણું જોજે ને માથું સાચવીને આવજે
ખલીલ ધનતેજવી

બારણું જોજે ને માથું સાચવીને આવજે,

મારા દરવાજે જરા નીચો નમીને આવજે.

પ્રેમ ને સદભાવનું વાતાવરણ મળશે તને,

બૂટ-ચપ્પલ ને અહમ્ દ્વારે મૂકીને આવજે.

હોય છે હંમેશ ખુલ્લાં દ્વાર મારાં તે છતાં,

ટેરવે ભીના ટકોરા ગોઠવીને આવજે.

દોસ્તો મારા વિશે પૂરી વિગત આપે નહીં,

ક્યાંક મારા શત્રુઓને પણ મળીને આવજે.

આવશે તો એક-બે ગઝલોય સંભળાવીશ તને,

કામથી પરવારીને ધીરજ ધરીને આવજે.

જા તને દીવો બુઝાવાનો ગુનો પણ માફ છે,

પણ પવન તું એમની ખુશબૂ લઈને આવજે.

ક્યાં સુધી મળશું ખલીલ આવા કશા સગપણ વિના,

કોઈ સંબંધ વખત નક્કી કરીને આવજે.

સ્રોત

  • પુસ્તક : સોગાત (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2012