kholi nakh - Ghazals | RekhtaGujarati

સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ

બંધ જીવતરની ડેલી ખોલી નાખ

બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ

તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ

શ્વાસને સાવ છુટ્ટા મેલી દે!

તું હવાની હવેલી ખોલી નાખ

બારની તડથી આવે મ્હેક હવે

ક્યાંક મ્હેકે ચમેલી ખોલી નાખ

બીજમાંથી સીધી પૂનમ દઈ દે!

સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ

ગઝલ આપણા જીવન-તાંદુલ

પોટલી શરમ મેલી ખોલી નાખ

બાર વાસ્યું છે અમથું અડકાડી

સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008