khenchan chhe atalanun - Ghazals | RekhtaGujarati

ખેંચાણ છે અતળનું

khenchan chhe atalanun

રમણીક સોમેશ્વર રમણીક સોમેશ્વર
ખેંચાણ છે અતળનું
રમણીક સોમેશ્વર

ક્યારેક શોધવાનું તળિયું અતાગ જળનું,

ક્યારેક ખોલવાનું ઢાંકણું વમળનું.

ઇતિહાસને ઉલેચ્યો ત્યારે સમજ પડી કે,

કારણ નથી હોતું ક્યારેક કોઈ પળનું.

કારણ બધાં ભેદી, કારણની પાર ઊભું,

ઝૂમી રહ્યું છે કેવળ, હોવું અહીં અટળનું.

કાંઠા ઉપરની કેવી અજનબી વિમાસણ,

જંજીર ચરણમાં ને ખેંચાણ છે અતળનું.

ખોલી શકું કદાચિત્ થોડોઘણો સમયને,

કેવી રીતે ઉકેલું જાળું અઠંગ છળનું

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999