khapna dilasha sha? - Ghazals | RekhtaGujarati

ખપના દિલાસા શા?

khapna dilasha sha?

પતીલ પતીલ
ખપના દિલાસા શા?
પતીલ

જતાં મદફન તરફ ઘરથી બજવવા ઢોલતાસા શા?

બજવવા ઢોલતાસા શા? ઊજવવા આ તમાશા શા?

થતાં પહેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,

કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?

ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને;

પછીથી નાખવા તેની ઉપર શતરંજપાસા શા?

બીજાને કાજ તે એકે હતો હરગિઝ મુકાયો ના−

કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?

દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?

ન આપ્યો પ્રેમ તો મુજને–હવે ખપના દિલાસા શા?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942