khabar chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખબર છે

khabar chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ખબર છે
અમૃત ઘાયલ

એને અમે નિત્ય ઉપાસી છે ખબર છે,

મસ્તીનો અંજામ ઉદાસી છે ખબર છે.

મીન બધાં જળના નિવાસી છે ખબર છે,

બે ચાર ઘડીના વિલાસી છે ખબર છે.

બહુ ભયમાં બધા ભોળા પ્રવાસી છે ખબર છે,

હોડીના ખૂટેલ ખલાસી છે ખબર છે.

ઝૂરે છે દિશાઓ અને ભેંકાર રડે છે,

રાત અજંપાની અગાસી છે ખબર છે.

વાતાવરણમાં છે તાસીર રતિની,

નાડ એની મેં કૈં વાર તપાસી છે ખબર છે.

અમને કહો એની ચટક હોય છે કેવી,

કળીઓને એમ ખૂબ ચકાસી છે ખબર છે.

મ્હેંકે છે છતાં એમની પત્તી વિષે અત્તર,

ફૂલ બધાં આમ તો વાસી છે ખબર છે.

કંટકનું ગજું શું કે પ્રવેશી શકે પગમાં,

મારી પેનીમાં કપાસી છે ખબર છે.

પીએ છે સ્વયં એથી અધિક પાય છે સહુને,

'ઘાયલ' તો પિયાસીના પિયાસી છે ખબર છે.

સ્રોત

  • પુસ્તક : ઝાંય (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : અમૃત ઘાયલ
  • પ્રકાશક : શ્રીમતી ભાનુમતી અ. ભટ્ટ
  • વર્ષ : 1982