rishi! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અજીબ લય છે... લડખડી અને લખું છું, ઋષિ!

તમારા પ્યાલામાંથી પી અને લખું છું, ઋષિ!

હું તમસાકાંઠે નહીં પાણિયારે બેઠો છું

કલમ હું ઘરમાં ઝબોળી અને લખું છું, ઋષિ!

વિકટ અખૂટ અંધારું યજ્ઞ છે મારો

વિરાટ રાત પેટાવી અને લખું છું, ઋષિ!

લુહાણ ધૂંધળા ડામરમાં શબ્દ શોધું છું

ધુમાડો પેનમાં રેડી અને લખું છું, ઋષિ!

કરીશ વાત ખુશ્બૂની તો ખુશ્બૂમાં કહીશ

કળી-શી સુરખીમાં આવી અને લખું છું, ઋષિ!

કદાચ ખરી કવિતાનો હશે પ્રારંભ

ઉમંગ ઝરણાંનો લાવી અને લખું છું, ઋષિ!

(૧પ-૧૦-'૧૬, ૩૦-૧ર-'૧૬, પ-૧-'૧૬)

સ્રોત

  • પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : લલિત ત્રીવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018