kavi ane jagat vachche virodh - Ghazals | RekhtaGujarati

કવિ અને જગત વચ્ચે વિરોધ

kavi ane jagat vachche virodh

હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી
કવિ અને જગત વચ્ચે વિરોધ
હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી

સુણૂં ક્યાં પ્રેમનૂં ગાણૂં મળે ક્યાં ઊરની મિજલસ?

વહે ક્યાં ભાવ દિલતખ્તે? બતાવી દે તું કિસમત!

વદી તૂં દે અરે આભ! ખલક સારી તેં વીંટી,

દિઠી છે એવિ તેં દુનિયા! દિલે દિલ પૂર ઝીલે જ્યાં?

ગજાવે ઈશ્કને નામે અરે દરિયા બધા કાંઠા,

દિઠું તેં કોઈ બંદર, જ્યાં પિછાણે દિલ તલપતૂં દિલ?

ધરી ખુશબો ફરે દિનરાત સદાગતિ, બોલ ક્યાં કુંજ,

સલૂણાં ઊર ઉર સાથે ગળે લાગે જ્યહાં સાચે?

અમી વર્ષાવતી ચન્દા, જુવે છે ગુહ્યતમ ખૂણા,

કહે તેં એવું દીઠૂં ક્યાં દિલે દિલ જ્યાં રમે ખુલ્લાં?

નહીં ઈર્ષ્યા, નહીં તૃષ્ણા, પ્રવૃત્તીના નહીં પાખંડ,

સુહાતાં હેત હૈયાનાં મળે ક્યાં, કહે મ્હને કિસમત?

સરવમય જ્યાં બને એકેક સરવમાં સર્વ ગળિ જાતાં,

જુદાઈ ના, નહીં શંકા, જનો એવાં ક્યહાં, કિસમત?

ખુદાઈ ઈશ્કનૂં ટીપૂં પડ્યૂં ઉર તે વ્હલોવે ઉર,

અરે તારા અમર, બોલો, હતૂં કો કાળમાં એવૂં?

હશે એવૂં ક્યહાં આજે? થશે વા એહવૂં ક્યારે?

—ન બોલે કો, જાણે કો, પિછાણે કો ઊર્મી આ?

અરે ઊર! તૂં એકલ ખુદાઈ ઈશ્ક કેરી

ધરે આશા! ઝુરે એકલ! –દિસે છે તુજ કિસમત!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931