karun saashtaang vandan, zaad! hun taarii udaariine - Ghazals | RekhtaGujarati

કરું સાષ્ટાંગ વંદન, ઝાડ! હું તારી ઉદારીને

karun saashtaang vandan, zaad! hun taarii udaariine

અનિલ ચાવડા અનિલ ચાવડા
કરું સાષ્ટાંગ વંદન, ઝાડ! હું તારી ઉદારીને
અનિલ ચાવડા

કરું સાષ્ટાંગ વંદન, ઝાડ! હું તારી ઉદારીને;

તને કાપે છે તો પણ હાથો તું આપે છે આરીને!

ગગનમાં તેથી હું ઊડી શક્યો પાંખો પ્રસારીને!

બધા મિત્રોએ ઉલઝાવીને રાખ્યો‘તો શિકારીને.

મને એક વાર મારું ભાગ્ય લખનારો બતાવી દો,

ના ના બદલો નથી લેવો, ફકત જોવો છે ધારીને.

ભલે હા કહે, તો પણ કદી હા સમજવી નહિ,

પ્રણયમાં શર્ત જે રાખે, જવાબ આપે વિચારીને.

પછી કહેજે બધે કે છે જગતમાં માત્ર એક રંગ,

પ્રથમ જો તો ખરો દુનિયાને તું ચશ્માં ઉતારીને!

મને જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે,

કદી જીતીને કોઈ માલિક જવા ના દે જુગારીને!

ફરીથી કાશ કે ભૂતકાળને જીવી શકાતો હોત,

ગઝલ માફક હું એકેએક પળ જીવત મઠારીને!

મને ધિક્કાર, તો હું કમ સે કમ આઘાત તો પામું,

કશું પણ છે નહિ એવી રીતે ના જા નકારીને.

અનિલ બબડી રહ્યો છે શું જગત ને જાત વિશે તું?

અહીંયાં કોઈ સાંભળતું નથી તારી લવારીને.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ