કરી’તી આંસુની કેવી બચત! ન દેખાણી
Kariti Ansuni Kevi Bachat! Na Dekhani
વિપુલ પરમાર
Vipul Parmar

કરી’તી આંસુની કેવી બચત! ન દેખાણી,
કોઈને તારી અસલ આવડત ન દેખાણી.
હું આંખ બંધ કરી જે સભર સભર જોતો
એ તારી આંખો મને આ વખત ન દેખાણી.
નજર પડે ને તરત કોઈ ખૂબી દેખાતી!
એ ફૂલ સામે મેં જોયું સતત, ન દેખાણી.
ખબર પડી ને રહ્યો આજીવન એ પસ્તાવો,
નથી એ હારનું દુ:ખ પણ રમત ન દેખાણી.
નજર કે સ્પર્શ વડે થઈ જતી’તી છૂમંતર!
હતી તું ત્યાં સુધી ઘરમાં અછત ન દેખાણી.
પસંદ આવી ભીતર ગુંજતી જરીક જગા!
કરી’તી બ્હાર ઘણી માવજત, ન દેખાણી.
તળાવ, વાવ, કૂવા એટલે તો હોમાયાં
અસર નદીના કતલની તરત ન દેખાણી.



સ્રોત
- પુસ્તક : કવિલોક : નવે. - ડિસે. 2024 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : પ્રફુલ્લ રાવલ
- પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ
- વર્ષ : 2024