રંગીન માછલી છે
rangiin maachhalii chhe
સંજુ વાળા
Sanju Vala

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.
પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે?
કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે?
નખ હોય તો કપાવું દઃખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.
ઇચ્છાના કાચઘરમાં એ એક થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૨૦૦૦ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : ધીરેન્દ્ર મહેતા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2003