kain kyarno aam ja mugdh bani aa mina bajare ubho chhun - Ghazals | RekhtaGujarati

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું

kain kyarno aam ja mugdh bani aa mina bajare ubho chhun

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું
અમૃત ઘાયલ

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું,

લાગી છે કતારો નજરોની, નજરોની, કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ, નિર્ભર છે, અહીં સંકેત ઉપર,

એના જ ઇશારે ચાલ્યો’તો, એના જ ઇશારે ઊભો છું.

આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,

તું સાંભળશે તો શું કહેશે! બસ એ જ વિચારે ઊભો છું.

આ દરિયાદિલી દરિયાની, હવા આકંઠ પીવા કેરી ય મજા,

ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે, કિનારે ઊભો છું.

સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું!

જકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી, સવારે ઊભો છું.

સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત, દશા મારીય હવે.

કાલેય મજારે ઊભો’તો, આજે ય મજારે ઊભો છું!

જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,

એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.

સ્રોત

  • પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2002