કહ્યું ’તું કે જશો નહિ આમ સ્મરણોની ગલીમાંથી
kahun 'tun jasho nahiin aam smarnonii gallimaathi
અનિલ ચાવડા
Anil Chavda
કહ્યું ’તું કે જશો નહિ આમ સ્મરણોની ગલીમાંથી
kahun 'tun jasho nahiin aam smarnonii gallimaathi
અનિલ ચાવડા
Anil Chavda
અનિલ ચાવડા
Anil Chavda
કહ્યું ’તું કે જશો નહિ આમ સ્મરણોની ગલીમાંથી,
ધધગતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી?
તમે દીધેલ આંસુનેય શાહી ઠાઠથી રાખ્યાં,
ન ઊતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.
ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.
હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે?
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી!
ફકત વહેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી.
હવે હંમેશ માટે બંધ થઈ ફાઇલ જીવનની,
શ્વસનના કાગળો સરકી ગયા છે ટાંકણીમાંથી.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
